મા ઉમિયાનું 431 ફૂટની ઊંચાઈ સાથે વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે, ખર્ચ થશે આટલો


અમદાવાદના એસજી હાઇવે ખાતે વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામ ખાતે 100 વિઘા જમીન અને રૂપિયા 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા આ મંદિરનો શિલાન્યાસ સમારોહ આગામી 28-29 ફેબ્રુઆરીના યોજાશે. આગામી પાંચ વર્ષ સુધીમાં તૈયાર થનારા આ મંદિરની ઊંચાઇ 431 ફૂટ હશે અને ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે. આ બે દિવસીય સમારોહમાં બે લાખ કરતાં ભક્તો ઉપસ્થિત રહેશે.

આ મહાનુભાવો રહેશે હાજર

આ ઉપરાંત શ્રી શ્રી રવિશંકર, બીએપીએસના મહંત સ્વામી મહારાજ, જગદગુરૂ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યશ્રીજી, અવિચલદાસજી, જગદગુરૂ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, સ્વામી સચ્ચિદાનંદ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વભંર ભારતીજી મહારાજ સહિત 21થી વધુ દિગ્ગજ સંતો-મહંતો-મહામંડલેશ્વરો તેમજ કથાકારો પાવન ઉપસ્થિતિ આપવાના છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, પરેશ ધાનાણી, અમિત ચાવડા, પુરૂષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે.


આ પ્રમાણે છે શિલાન્યાસ સમારોહનો કાર્યક્રમ

શિલાન્યાસ સમારોહ નિમિત્તે 28 ફેબ્રુઆરી-શુક્રવારે સવારે 8થી બપોરે 12 દરમિયાન આહુતિ મહાયજ્ઞા-જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા, જગત જનની મા ઉમિયા સાથે ગણપતિ દાદા-બટુકભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે. બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલા 108 કળશનું સ્વાગત-પૂજન કરાશે. સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે. 29 ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન કરાશે.

મંદિર નિર્માણ માટે મળશે આટલા કરોડનું દાન

સાંજે 4 કલાકથી શિલાન્યાસ સમારોહનો પ્રારંભ થશે. આયોજન સમિતિના જણાવ્યા પ્રમાણે આ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી અંદાજે રૂપિયા 375 કરોડનું દાન મળ્યું છે અને 29 ફેબ્રુઆરી સુધીમાં રૂપિયા 500 કરોડ સુધી દાન પહોંચે તેવી સંભાવના છે. આ મંદિરની ઊંચાઇ 431 ફૂટ છે પણ ધ્વજદંડક સાથે 451 ફૂટ ઊંચાઇ થાય છે. આ મંદિરના સંકુલમાં કન્યા, કુમાર વર્કિંગ વુમન હોસ્પિટલ, સમાધાન પંચ, સ્કીલ યુનિવર્સિટી, હેલ્થ-સ્પોર્ટ્સ-કલ્ચરલ કોમ્પલેક્સ, એનઆરઆઇ ભવન, વિધવા-ત્યક્તા બહેનો માટે રોજગાર કેન્દ્ર, કાયમી લગ્ન કેન્દ્ર, કાયમી ભોજનશાળા પણ હશે.

વિશ્વના સૌથી ઊંચા મંદિની વિશેષતા


  • મંદિરની ઊંચાઇ 431 ફૂટ (131 મીટર).
  • મંદિરની ડિઝાઇન જર્મની અને ભારતના આર્કિટેક્ટના સંયુક્ત પ્રવાસથી બની છે.
  • માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદનો નજારો નિહાળી શકાશે.
  • મંદિરની વ્યુ ગેલેરી અંદાજે 270 ફૂટ છે.
  • ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાન પર મા ઉમિયા બિરાજશે.
  • મંદિરનો ગર્ભગૃહ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલી ડિઝાઇન મુજબ બનશે.
  • મા ઉમિયાની સાથે મહાદેવનું પારા શિવલિંગ પણ સ્થાપિત કરાશે.

Post a comment

0 Comments