રાજકોટમાં રજવાડી જાન એવું આકર્ષણનું કેન્દ્ર બની કે, તમે આજ દિવસ સુધી આવો વરઘોડો નહીં જોયો હોય..


લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટમાં જૂના રીતરીવાજ અને પહેલાની જેમ બળદગાડા અને હાથીની અંબાડી પર વરરાજાને બેસાડીને રજવાડી જાન કાઢવામાં આવી હતી. આધુનિક મોટર કારનાં જમાનામાં હાથીની અંબાડી, બળદગાડા, ઘોડાગાડી અને ઊંટ, 20 જેટલા ભાલા અને ઢાલ સાથે પરંપરાગત વસ્ત્રોમાં જાનૈયાઓ રાજમાર્ગો પર નિકળતા લોકોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.

હાથીની અંબાડી અને તેનાં પર સવાર છે વરરાજા…જીહા, આ રજવાડી ઠાઠ છે રાજકોટનાં 80 ફુટ રોડ પર આવેલ માસ્તર સોસાયટીમાં રહેતા નાનુભાઇ સબાડનાં પુત્ર અર્જૂન સબાડનાં લગ્નનો અનોખી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સામાન્ય રીતે શિવરાત્રીનાં દિવસે ભગવાન શિવજીનાં લગ્નની દંતકથાઓની વાતો થતી હોય છે પરંતુ બોરીચા આહિર સમાજમાં આખા વર્ષ દરમિયાન માત્ર શિવરાત્રીનાં જ લગ્ન કરવાનો રીવાજ વર્ષોથી ચાલતો આવે છે.


રાજકોટનાં વોર્ડ નંબર 12નાં કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વાંકનો સાળો અર્જૂન સબાડનાં લગ્ન હોવાથી પરિવારજનોએ આહિર સમાજની પરંપરાને જીવંત રાખવા માટે રજવાડી ઠાઠ સાથે ગાડામાં જાન અને હાથીની અંબાડી પર વરરાજાને બેસાડીને જાન કાઢવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહિં આ રજવાડી જાનમાં 20 ઘોડા, ઊંટ, બળદગાડા, દેશનું નંબર વન ગણાતું પૂનાનું બેન્ડ, 20 ભાલા અને ઢાલ સાથે જાનૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સામેલ થયા હતા. આહિર સમાજની મહિલાઓ પણ પરંપરાગત વસ્ત્રો અને સોનાનાં દાગીના સાથે જાનમાં સામેલ થઇ હતી.

નાસિક અને પૂનાનાં ઢોલ અને ઘંટનાં રણકારમાં જાનૈયાઓ ઝુમી ઉઠ્યા હતા. એટલું જ નહિં બોરીચા આહિર સમાજની પરંપરા મુજબ તમામ જાનૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ગામઠી પરંપરામાં ઘોડાગાડી અને બળદગાડામાં જાન નિકળતી હતી તે પરંપરા આધુનિક કારનાં જમાનામાં પણ જીવંત કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.

Post a comment

0 Comments