ઉમિયા માતાજીના મંદિરને લહેરિયુંથી શણગારાયું, તૈયાર કરાવ્યો આકર્ષક પ્રવેશદ્વાર


ઉમિયા માતાજીના નિજમંદિરને 10 હજાર મીટર લહેરિયુંથી શણગારાયું છે. જેમાં 42ના પનાનો એક એવા 100 પટ્ટા, જે 30 મીટરથી લઇને 50 મીટરના છે. મંદિર શિખર થી લઇ મંદિર પરિસર ફરતે શણગાર આબુરોડના કારીગરો 3 દિવસથી કરી રહ્યા છે, જે મંગળવારે સાંજ સુધી પૂર્ણ થઇ જશે. પવનના કારણે 10 પટ્ટા તો બાંધતાં ફાટી ગયા હતા.

આજે બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા આકાશમાં છોડાશે, એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધણી કરાશે
ઊંઝામાં કૃષિનાં દેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞના ધર્મ અવસરે સાંસ્કૃતિક કમિટી દ્વારા મંગળવારે સાંજના 4 વાગે કૃષિ બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા આકાશમાં છોડવામાં આવશે. જે એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે. સાંસ્કૃતિક કમિટીના જણાવ્યા મુજબ, 15 હજાર ફુગ્ગામાં 10 ગ્રામ કૃષિ બિયારણ ભરી ગેસની 10 બોટલ દ્વારા 100 સ્વયંસેવકો દ્વારા ફુલાવવામાં આવશે. જે ફુગ્ગા મંગળવારે સાંજના 4 વાગે ઉમિયાનગરના 20 વીઘામાં ફેલાયેલા સાંસ્કૃતિક વિભાગમાંથી ઉમિયા માતાજી સંસ્થાનના હોદેદારો, કર્ણધારો, લક્ષચંડી મહાયજ્ઞના યજમાનો અને સાંસ્કૃતિક કમિટીના સ્વયં સેવકો દ્વારા આકાશમાં ઉડાડવામાં આવશે. જેને લઇ માઇધામનું ગગન રંગબેરંગી ફુગ્ગાઓથી છવાઈ જશે. આ ફુગ્ગા જ્યાં ફુટશે ત્યાં પડેલા બિયારણથી નવીન કૂંપળનું સર્જન જનજીવન માટે હિતકારી રહેશે.

આજથી જ દર્શન માટે ઉમિયા બાગથી પ્રવેશ અપાશે

લાખો માઇભક્તોને દર્શન માટે તકલીફ ન પડે તે માટે આઠ લાઇનની વ્યવસ્થા કરાઇ છે. જેના માટે ઉમિયાબાગથી એન્ટ્રી લેવાની રહેશે. મંદિર ઉમિયા ચોકમાં પગરખાં આપી ટોકન લેવાનું રહેશે, જે બહાર નીકળતાં મળી જાય તેવી વ્યવસ્થા કરાઇ છે. જેનો અમલ એક દિવસ પહેલાં મંગળવારથી કરવામાં આવશે.
જેથી વ્યવસ્થાનું એકપ્રકારે રિહર્સલ પણ થઇ જાય તેમ કમિટીના કો-ઓ. જયેશભાઇ પટેલે જણાવ્યું હતું.

ભારે વાહનો માટે સોમવારથી ડાયવર્ઝનનો અમલ

18થી 22 ડિસેમ્બર લક્ષચંડી મહાયજ્ઞમાં લાખો ભક્તો દર્શનાર્થે આવનાર હોઇ ઊંઝાને સાંકળતા પાટણ, સિદ્ધપુર, મહેસાણા સહિતના માર્ગોને ડાયવર્ઝન અપાયાં છે. જેનો સોમવારથી ચુસ્ત અમલ શરૂ કરાયો છે. ડાયવર્ઝનના અમલ માટે સિદ્ધપુર ચાર રસ્તાથી પાલનપુર, પાટણ, મહેસાણા ને કાંસા ચોકડી, દેણપ, રણછોડપુરા, કહોડા, ખળી ચાર રસ્તા થઈ પાટણ, ખેરાલુ અને વિસનગર માર્ગે મહેસાણા પોલીસે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી છે.

500 પાયલોટ ટોયલેટ મુકાયા

ધર્મોત્સવમાં લાખો લોકો દર્શનાર્થે ઉમટશે. તેમની ન્હાવા-ધોવા, ઊંઘવા તેમજ શૌચાલયની વ્યવસ્થા માટે 500 પાયલોટ ટોયલેટ ઊભા કરાયા છે. રાત્રે સુવા માટે 40 હજાર ગાદલા, રજાઈ તેમજ ગરમ પાણીની વ્યવસ્થા ઉતારા કમિટીએ કરી છે.

Post a comment

0 Comments