રોજના 400 કિલો ભજીયાનું વેચાણ, અમદાવાદની આ દુકાન પર લાગે છે લાઇનો • થોડાક સમય પહેલા દેશમાં પકોડા પોલિટિક્સની ચર્ચાએ જોર પકડ્યું હતું. પકોડા વેચવાને રોજગાર કહેવાય કે નહીં તેની પર મીડિયામાં ઘણી ચર્ચાઓ થઇ. આ ચર્ચાઓ વચ્ચે એવા ભજીયાના વેપારીઓ પણ છે જે માત્ર ગોટા કે ભજીયાનું વેચાણ જ નથી કરતાં પરંતુ અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યા છે.
 • આવુ જ એક જાણીતું નામ છે અમદાવાદનું રાયપુર ભજીયા હાઉસ. છેલ્લા 84 વર્ષોથી ફેમસ રાયપુર ભજીયા હાઉસના ભજીયાનો ટેસ્ટ ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાથી લઇને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી બધાએ કર્યો છે.
 • રાયપુર ભજીયા હાઉસ

 • રાયપુર ભજીયા હાઉસ આજે અમદાવાદમાં એક જાણીતું નામ છે. તેના ભજીયાનો સ્વાદ એવો છે કે લોકો કોઇ પણ જાતની ચટણી વગર એમને એમ તેને ખાઇ શકે છે. આઝાદી પહેલાં એટલે કે 1933માં રાયપુર દરવાજા પાસે રાયપુર ભજીયા હાઉસની શરૂઆત થઇ. આજે આ દુકાનને 84 વર્ષ થઇ ગયા પરંતુ તેના ભજીયાનો ટેસ્ટ સહેજ પણ બદલાયો નથી.
 • પીપળાના ઝાડ નીચે થઇ હતી શરૂઆત

 • રાયપુર ભજીયા હાઉસના માલિક મહેન્દ્રભાઇ પટેલ જણાવે છે કે મારા પિતાજી સોમાભાઇ મોતીભાઇ પટેલે 1933માં કોટની દિવાલની બહાર પીપળાના ઝાડ નીચે દુકાનની શરૂઆત કરી. તે વખતે અમદાવાદમાં મીલનો જમાનો હતો. અનેક મીલો ધમધમતી હતી. 
 • મીલની પાળી સવારે 4 થી સાંજે 4 સુધી ચાલતી. તેથી મારા પિતાજી ચાર વાગ્યા પછી ભજીયાની તૈયારીઓ શરૂ કરી સાંજે સાત વાગ્યાથી તેનું વેચાણશરૂ કરતાં જે મોડી રાત સુધી ચાલતું. તે વખતે કલાકે એક શેર (લગભગ 500 ગ્રામ) જેટલા ભજીયાનું વેચાણ થતું. પછી તો ત્યાં ચબુતરો થયો અને કોટની આ બાજુ દુકાન ચાલુ થઇ.

 • સોમાભાઇના દિકરાઓ મહેન્દ્રભાઇ અને સુભાષભાઇ છ-છ મહિના ધંધો ચલાવે છે. બાકીના સમયગાળામાં તેઓ અમેરિકા રહે છે. અમેરિકામાં તેઓની ફેમિલી સેટ છે
 • અને ત્યાં પણ તેઓનો બિઝનેસ છે. આજે ભજીયા વેચવા ઉપરાંત, રાયપુર ભજીયા હાઉસ મિકસ ભજીયા લોટ અને બેસનની નિકાસ પણ કરે છે. મહેન્દ્રભાઇ જણાવે છે કે શરૂઆતમાં મારા પિતાજી ભજીયા બનાવતા જ્યારે મરચા કે બટાકા સમારવા જેવી બાકીની તૈયારીઓ માતા કરતાં. આજે 10 જેટલા કારીગરો અમારે ત્યાં કામ કરે છે

 • અને રોજના 300થી 400 કિલો ભજીયા વેચાય છે. ક્વોલિટી અંગે તેઓ જણાવે છે કે અમે શુદ્ધ સિંગતેલમાં બનાવેલા ભજીયાનું જ વેચાણ કરીએ છીએ. શરૂઆતમાં એક આનામાં અમે ભજીયા વેચ્યા હતા અને આજે એક કિલો ભજીયાનો ભાવ 200 રૂપિયા છે.
 • કોમી હુલ્લડો વખતે બંધ રહી હતી દુકાન

 • મહેન્દ્રભાઇ જણાવે છે કે 1969માં કોમી હુલ્લડના કારણે દોઢ મહિના સુધી દુકાન બંધ રાખવી પડી હતી. 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે પણ ડીમ લાઇટમાં ધંધો ચાલુ રાખતા હતા. આટલી મુશ્કેલીઓ છતાં આ ભજીયા હાઉસ તેના ટેસ્ટના કારણે અને લોકોના પ્રેમના કારણે આટલા વર્ષોથી ટકી રહ્યું છે. તેમનું કહેવું છે કે અંબાજી માતાની કૃપાથી આ શક્ય બન્યું છે. 

Post a comment

0 Comments